માનો ગરબો રે, રમે રાજને દરબાર
રમતો ભમતો રે, આવ્યો કુંભારીને દ્વાર
એલી કુંભારીની નાર, તું તો સૂતી હોય તો જાગ
માને ગરબે રે, રૂડા કોડિયાં મેલાવ
માનો ગરબો રે, રમે રાજને દરબાર
રમતો ભમતો રે, આવ્યો સોનીડાને દ્વાર
એલી સોનીડાની નાર, તું તો સૂતી હોય તો જાગ
માને ગરબે રે, રૂડા જાળીયા મેલાવ
માનો ગરબો રે, રમે રાજને દરબાર
રમતો ભમતો રે, આવ્યો ઘાંચીડાને દ્વાર
એલી ઘાંચીડાની નાર, તું તો સૂતી હોય તો જાગ
માને ગરબે રે, રૂડા દિવેલીયા પુરાવ
માનો ગરબો રે, રમે રાજને દરબાર
ખમ્મા મારા નંદજીના લાલ
ખમ્મા મારા નંદજીના લાલ
મોરલી ક્યાં રે વજાડી?
હું રે સૂતી’તી મારા શયનભવનમાં
સાંભળ્યો મેં તો મોરલીનો સાદ
મોરલી ક્યાં રે વજાડી?
ભર રે નીંદરમાંથી ઝબકીને જાગી
ભૂલી ગઈ હું તો ભાનસાન
મોરલી ક્યાં રે વજાડી?
પાણીડાંની મશે જીવણ જોવાને હાલી
દીઠાં મેં નન્દજીના લાલ
મોરલી ક્યાં રે વજાડી?
દોણું લઈને ગૌ દોહવાને બેઠી
નેતરાં લીધાં હાથ
મોરલી ક્યાં રે વજાડી?
વાછરું વરાહે મેં તો છોકરાંને બાંધ્યાં
નેતરાં લઈને હાથ
મોરલી ક્યાં રે વજાડી?
માતાજીના ઊંચા મંદિર
માતાજીના ઊંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દીવા બળે રે લોલ!
રાધાગોરી, ગરબે રમવા હાલો
સાહેલી સહુ ટોળે વળી રે લોલ!
ક્યાં છે મારા રામસીંગભાઈના ગોરી
મુખલડે અમી ઝરે રે લોલ!
ક્યાં છે મારા વીરસીંગભાઈના ગોરી
હાથલડે હીરા જડ્યા રે લોલ!
ક્યાં છે મારે રૂપસીંગભાઈના ગોરી
પગલડે પદમ જડ્યા રે લોલ!
માતાજીના ઊંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દીવા બળે રે લોલ!
અમે મૈયારાં રે…
અમે મૈયારાં રે… ગોકુળ ગામનાં
મારે મહી વેચવાને જાવાં
મૈયારાં રે… ગોકુળ ગામનાં
મથુરાની વાટ મહીં વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે… મારે દાણ દેવાં, નહિ લેવાં
મૈયારાં રે… ગોકુળ ગામનાં
યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો
ભૂલાવી ભાનસાન ઉંઘતી જગાડતો
હે… મારે જાગી જોવું ને જાવું
મૈયારાં રે… ગોકુળ ગામનાં
માવડી જશોદાજી કાનજીને વાળો
દુ:ખડા હજાર દિએ નંદજીનો લાલો
હે… મારે દુ:ખ સહેવાં, નહિ કહેવાં
મૈયારાં રે… ગોકુળ ગામનાં
નરસિંહનો નંદકિશોર નાનકડો કાનજી
ઉતારે આતમથી ભવ ભવનો ભાર જી
નિર્મળ હૈયાની વાત કહેવાં
મૈયારાં રે… ગોકુળ ગામનાં
અમે મૈયારાં રે… ગોકુળ ગામનાં
મારે મહી વેચવાને જાવાં
મૈયારાં રે… ગોકુળ ગામનાં
આસો માસો શરદ પૂનમની રાત
આસો માસો શરદ પૂનમની રાત જો
ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં
સસરો મારો ઓલા જનમનો બાપ જો
સાસુ રે ઓલા જનમની માવડી
જેઠ મારો અષાઢીલો મેઘ જો
જેઠાણી ઝબૂકે વાદળ વીજળી
દેર મારો દેરાસરનો દેવ જો
દેરાણી દેરાસર કેરી પૂતળી
નણંદ મારી વાડી માયલી વેલ જો
નણદોઈ મારો પારસ પીપળો
પરણ્યો મારો સગી નણંદનો વીર જો
તાણીને બાંધે નવરંગ પાઘડી
આસો માસો શરદ પૂનમની રાત જો
ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં